સૂકી ધરતીને દીધી ભીંજવી, વર્ષાએ વરસાવી જળ
ઝૂમી ઊઠી ધરતી, ઓઢીને ઓઢણી લીલીછમ
પડ્યું જળ ધરતી પર, ના છોડે ધરતીને એક પળ
રહ્યું વહેતું એ ધરતી પર, સદા એ તો ચોગરદમ
સૂર્યતાપે ખૂબ તપી, કર્યું વિખૂટું ધરતી ને જળ
ખેંચ્યું એને પોતા તરફ, ગયું ખેંચાઈ એ એકદમ
વિયોગે ધરતી ફાટી પડી, પડી તિરાડ સ્થળ-સ્થળ
વિયોગે જળ આંસુ વહાવે, રહ્યા વહેતા એ તો હરદમ
તાપ નરમ પડતાં, ભેટવા ધરતીને સરકતું ગયું જળ
મિલાપ ધરતીનો થાતાં, ઝૂમી ઊઠયું એ તો એકદમ
છૂટો પડી આત્મા પરમાત્માથી, વધતી રહી વિયોગની પળ
માયાએ એને ખેંચી લીધો, ભરમાવી એને હરદમ
પળ પળ એની મોંઘી બની, વીતી રહી વિયોગે પળ
મિલન થાતાં પાછું એનું, ગયો ભૂલી ભાન એકદમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)