ઘેરાયા જ્યાં દુઃખના વાદળ, સુખનો સૂરજ ડૂબી ગયો
ઘેરો જ્યાં અંધકાર બન્યો, પ્રકાશવિણ અથડાઈ રહ્યો
ના દેખાયે દિશા ક્યાંય, અંધકાર બધે છવાઈ ગયો
હૈયું પણ ઘેરું બન્યું, પ્રકાશ કાજે તડપી રહ્યો
ભાર હૈયે ખૂબ વધ્યો, ભાર નીચે દબાઈ ગયો
મન પણ જડ ગયું બની, પ્રકાશ વિણ મૂંઝાઈ રહ્યો
વિચાર પલટે, ઘડીયે ઘડીયે, અસ્થિર ખૂબ બની ગયો
જાવું જઈને કોની પાસે, પ્રકાશ વિણ અથડાઈ રહ્યો
આશા નિરાશાના ઝોલે ચડયો, ક્યાંનો ક્યાં ઘસડાઈ ગયો
પ્રકાશ કાજે તડપી ગયો, પ્રકાશ વિણ અટવાઈ રહ્યો
કિરણોની ઝાંખી થાતાં, ધીરે ધીરે હૈયે ખૂબ ઉલ્લાસ વધ્યો
વાદળો ગયાં વિખરાતાં, ધોધ પ્રકાશનો તો છૂટયો
અહેશાન હૈયે જાગ્યો પ્રભુનો, ઉંમંગ હૈયે છાઈ ગયો
પ્રકાશ પ્રભુનો જ્યાં મળ્યો, રાહ અનેરો બતલાવી રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)