પ્રેમનાં બિંદુ હટયા જ્યાં હૈયેથી તો તારા
જીવન અમૃતના જળ તો તેં ગુમાવ્યા
દયાના દર્શન દુર્લભ બન્યા, હૈયે જ્યાં તારા
કૃપાના બિંદુ `મા’ ના તેં તો ગુમાવ્યા
વેરના તાંતણા હૈયામાં બંધાયા જ્યાં તારા
તારા પોતાનાને પણ તેં તો તારાથી હટાવ્યા
કામના પડળ આંખ પર તારી જ્યાં વીંટાયા
દૃષ્ટિના નિર્મળ તેજ તેં તો ગુમાવ્યા
લોભ-મોહથી હૈયા તારા જ્યાં ભરાયા
હૈયાની શાંતિના સ્નાન તેં તો ગુમાવ્યા
ક્ષણો અમૂલ્ય જીવનની કંઈક આળસમાં વિતાવી
સમય જાતાં ક્ષણના મૂલ્યો હૈયામાં સમજાયા
દયા ધરમના મૂલ્યો, હૈયેથી જ્યાં ભુલાયા
મુસીબતોની પરંપરા જીવનમાં તો સરજાઈ
કારણ વગર ના બને જીવનમાં, કર્મોના મૂલ્ય સમજાયા
યોગ્ય કર્મો કરતા, જીવનના રાહ તો પલટાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)