છૂટે હૈયેથી વેર ને હૈયેથી છૂટે મારું મારું
માડી હું તો તારી પાસે, પ્રેમનું એક બિંદુ માગું
આળશ હૈયેથી ખંખેરું ને હૈયું ધીરજથી ભરું
માડી હું તો તારી પાસે, પ્રેમનું એક બિંદુ માગું
ક્રોધને હટાવી સદા, નિર્મળતાં હૈયામાં તો ભરું
માડી હું તો તારી પાસે, પ્રેમનું એક બિંદુ માગું
કામથી દૂર રહું સદા, પ્રેમભરી તારી સૃષ્ટિ નિહાળું
માડી હું તો તારી પાસે, પ્રેમનું એક બિંદુ માગું
હૈયેથી અહંકાર હટાવી, સદા સમતામાં રાચું
માડી હું તો તારી પાસે, પ્રેમનું એક બિંદુ માગું
હટાવી હૈયેથી હિંસા, તુજને સર્વમાં નિહાળું
માડી હું તો તારી પાસે, પ્રેમનું એક બિંદુ માગું
કરતો રહું કર્મો મારા, હૈયેથી તો તારા જાપ જપું
માડી હું તો તારી પાસે, પ્રેમનું એક બિંદુ માગું
કાર્યો જગમાં કરતો રહી, મનડું તો તુજમાં સ્થાપું
માડી હું તો તારી પાસે, પ્રેમનું એક બિંદુ માગું
હસતે મુખે સદા, દયા ધરમમાં મનડું ડુબાડું
માડી હું તો તારી પાસે, પ્રેમનું એક બિંદુ માગું
સદા સત્યથી ભરું જીવન, હૈયે શ્રદ્ધાના દીપ જલાવું
માડી હું તો તારી પાસે, પ્રેમનું એક બિંદુ માગું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)