મંજુલ મંજુલ, `મા’ ના ઝાંઝરનો રણકાર તો વાગે
સૂણી, મારા મનનો મોરલો, થનગની રહ્યો છે આજે
રાસ અનેરો, પ્રાણ અને પ્રકૃતિનો તો ત્યાં રચાયો
શ્વાસેશ્વાસ, રોમેરોમ, તો તાલ એમાં દેવા લાગે
કરુણાના ધોધ ત્યાં તો, અનહદ વહેવા લાગે
રોમેરોમ તો આજ આનંદે ત્યાં નહાવા લાગે
પ્રણવ કેરો નાદ તો હૈયે, આજ તો ગૂંજવા લાગે
દૃષ્ટિ પડતી જ્યાં ને જ્યાં, ત્યાં `મા’ નો અણસાર આવે
અસુરો ને દાનવ, હૈયાના સાદ સૂણી તો ભાગવા લાગે
હૈયે રહેલા દેવો તો આજે, ખૂબ આનંદે તો નાચે
વર્ણન તો એનું ના થાયે, વાણી પણ થંભી જાયે
અનુભવ એનો જેને થાયે, બીજું જગમાં એ ન માગે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)