નીરખું જ્યાં પ્રેમભર્યું તો મુખડું `મા’ નું
ભૂલું હું તો જગનું દુઃખ તો સારું
તેજભર્યું જ્યાં પરમ તેજ તો નિહાળું
ભૂલું હું તો જગનું ભાન તો સારું
`મા’ ની મૂર્તિ સન્મુખ જ્યાં તો બેસું
કર્મો તણી જગની ઝંઝટ હું તો વિસરું
બેસી, ચિત્તડું `મા’ માં જોડું હું મારું
હૈયાના વિકારોના બોજ તો હટાવું
નામ સ્મરણમાં જ્યાં મનડું લગાવું
ગુણનિધિના ગુણને હૈયામાં સમાવું
ચિંતા સોંપી ચરણે `મા’ ને, ચિંતામુક્ત થાઉં
હલકેફૂલ હૈયે, આનંદે હું તો નહાવું
હૈયાના ભાવને `મા’ માં જ્યાં સ્થાપું
ભાવભરી `મા’ ના ભાવ તો પામું
દયા હૈયેથી ના હટાવું, દયા `મા’ ની હું તો પામું
દેશે દયાના દાન `મા’, ભરશે જીવન મારું
કરુણા હૈયેથી જો હું વરસાવું
કરુણાનિધિની કરુણા હું તો પામું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)