કોઈ જ્વાળા મોટી, કોઈ જ્વાળા તો નાની
સંસારે-સંસારે દેખાયે તો પ્રગટેલી હોળી
રહે ધૂંધવાયેલા ચિત્ત તો સહુના
નાની શી ચિનગારી પણ પ્રગટાવે મોટી હોળી
કરે સહુ સાચા કે ખોટા, ના કહેવાયે ખોટા
કહો જ્યાં ખોટા, પ્રગટે ત્યાં તો મોટી હોળી
મન ભરેલું રહે શંકાથી તો જગમાં
જડે ના ઓસડ તો એનું, પ્રગટે ત્યાં મોટી હોળી
વહેમના વમળોથી રહે ભરેલા હૈયાં
ભૂતના ભાગે જો વહેમનું, પ્રગટે ત્યાં મોટી હોળી
સ્વાર્થથી ભરેલા રહે હૈયાં તો સહુના
ટકરાતા સ્વાર્થ પણ નાનો, પ્રગટાવે એ મોટી હોળી
નિરાશાની આગમાં ખાખ થયેલા હૈયામાં
મશ્કરીની નાની ચિનગારી, પ્રગટાવે તો એ મોટી હોળી
રહે દુભાયેલા હૈયા કંઈકના તો જગમાં
અવગણનાની ચિનગારી, પ્રગટાવે તો મોટી હોળી
અસંતોષે ભિંસાયા છે હૈયા તો સહુના
મૂકે માઝા જો એની, પ્રગટે ત્યાં મોટી હોળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)