તપતા મારા હૈયાને આજે, જગમાં શાંતિ ના મળી
તોફાને ચડેલા મનને મારા, કિનારો આજે ના મળ્યો
અંધકારે અટવાયેલ હૈયાને, પ્રકાશ આજે ના જડયો
નિરાશાની કાળી વાદળીને, આજે કિરણ આશાનું ના મળ્યું
સંસાર વિષથી ભરેલા હૈયામાં, પ્રેમનું બિંદુ આજે ના મળ્યું
આફતોથી ઘવાયેલા હૈયાને, સબળ ટેકો તો ના મળ્યો
દુઃખથી દુઝતા હૈયાને, તો સાચી દવા આજે ના મળી
રાહે, રાહે રાહ ભૂલેલા મનને, સાચી રાહ તો ના જડી
કરુણા તો હૈયે છવાઈ ગઈ, કરુણાસાગરના દર્શન ના થયા
અહં પર પડતા રહ્યાં ઘા આકરા, અહં તો ઓગળતું ગયું
અહંના બીજ તો તૂટતા ગયા, ભક્તિના કિરણ ફૂટતા ગયા
પ્રભુચરણે મસ્તક ઝૂકી ગયું, દર્શન દીનાનાથના થઈ ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)