એંધાણ એના જીવનમાં જો મળી જાય, ગોતવો એને, જીવનમાં સહેલો બની જાય
છુપાયો છે રે એ તો એવો, ગોત્યો ના જલદી એ તો ગોતાય
ખંખેરી નાખજે આળસ તું તારું, તૂટવા ના દેજે ધીરજ હૈયાંમાંથી, શોધવામાં એ તો કામ બની જાય
આછી આપીને ઝલક, દઈ ઝલક, પળવારમાં પાછો ક્યાં જઈ છુપાય
થાક્યે એમાં તો કાંઈ ચાલશે નહીં, જોજે શોધવામાં એને, તારો ઉત્સાહ જળવાય
નિરાશાઓને રાખજે દોઢ ગાઉ દૂર તારાથી, જોજે પગ તારા ના એ બાંધી જાય
ભાવેભાવે કરજે રાહ તારી તું ભીની, ભાવમાં એ સામોને સામો દોડયો આવી જાય
હારતો ના તું હિંમત તારી, તૂટતો ના હિંમતમાં જરાય, આ ભાથા વિના નહીં એ ગોતાય
છે આદત એની એવી તો બૂરી, પકડાઈ હાથમાં પાછો એ છટકી જાય
એકવાર પકડાયો જ્યાં હાથમાં, દેજે બાંધી પ્રેમના દોરથી, એનાથી ના એ તૂટી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)