થાતુંને થાતું એ તો થાતું જાય, કેમ થયું એ, ના કદી એ તો સમજાય
કાલની કાલ પણ આજ બની જાય, આજ પણ એમ ભૂતકાળમાં સમાય
પરિવર્તન ને પરિવર્તન જગમાં, આમને આમ તો થાતુંને થાતું જાય
પરિવર્તનના વર્તનની એંધાણી જો સમજાય, જીવન સાચી રીતે જીવાય
પરિવર્તન સાથે જગમાં જીવનમાં ના તાલ જો મેળવાય, જીવનમાં પાછા પડી જવાય
પરિવર્તન છે નિયમ કુદરતનો, રાખજો તૈયારી નિયમ બરાબર એ પળાય
કદી મૂંઝવી દે જીવનમાં એ એવા, જાણ બહાર એમાંથી નહીં નીકળાય
કદી તોડી મૂંઝારાના વાદળ, સરળ દૃષ્ટિનો સૂર્ય એ તપાવી જાય
કદી થાશે સારું, કદી ખોટું, જીવનમાં કેમ એ બન્યું, નહીં એ સમજાય
થાતુંને થાતું એ તો થાતું જાશે, એ તો થાતું જાશે, નહીં એ અટકાવી શકાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)