મુક્તિ ચાહનારા ઓ જીવ, ફગાવી દે ફગાવી દે, બંધનો બધા, જીવનમાંથી ફગાવી દે તું
કર શરૂઆત તું, ગમ-અણગમાથી, પહેલાં ગમા-અણગમાને જીવનમાંથી ફગાવી દે તું
હૈયાંમાંથી સત્ય અસત્યના ડરને, જીવનમાં, હૈયાંમાંથી ફગાવી દે એને રે તું
જાણવાનું કાંઈ નથી, અજાણ્યું કાંઈ રહેવાનું નથી, જ્ઞાન અજ્ઞાનના પડદાને ફગાવી દે તું
માંગવા ના માંગવાના ભાવના ભાવને જીવનમાં, હૈયાંમાંથી ફગાવી દે એને રે તું
કર્તા તો છે જ્યાં પ્રભુ તો જગનું, કર્તાપણાના ભાવને હૈયાંમાંથી ફગાવી દે તું
ઇચ્છાઓને ઇચ્છાઓ બધી રહેશે નડતી જીવનમાં, ઇચ્છાઓ બધીને હૈયાંમાંથી ફગાવી દે રે તું
વિશ્વાસેને વિશ્વાસે પડશે વધવું જીવનમાં આગળ, હૈયાંમાંથી બધી શંકાઓને ફગાવી દે તું
સુખદુઃખના દ્વંદ્વને હૈયાંમાં ના પાંગરવા દેજે, હૈયાંમાંથી એ દ્વંદ્વને ફગાવી દે રે તું
વિકારોને વિકારો રોકી રાખશે રસ્તા તારા, બધા વિકારોને હૈયાંમાંથી ફગાવી દે રે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)