અંત શેનો નથી, અંત કોનો નથી (2)
જન્મ્યું કે જાગ્યું જે જગમાં જીવનમાં, અંત એનો આવ્યા વિના રહ્યો નથી, રહેવાનો નથી
જન્મ્યું જે જ્યાં, છે છેડો એનો તો ત્યાં, ત્યાં મળ્યા વિના એ રહેવાનો નથી
જાગ્યું જે મનમાં, મળશે છેડો એનો મનમાં, ત્યાં મળ્યા વિના એ રહેવાનો નથી
જાગ્યું જે સંજોગોમાંથી, સંજોગો ઉકેલ્યા વિના, ઉકેલ એનો તો મળવાનો નથી
આવ્યું જે કર્મમાંથી, હશે ઉકેલ એનો તો કર્મમાં, એના વિના એ ઉકેલાવાનું નથી
જીવન આવ્યું જો પ્રભુમાંથી, પ્રભુને જાણ્યા વિના, એમાં સમાયા વિના અટકવાનું નથી
શાશ્વતનો અંત હોતો નથી, શાશ્વત, શાશ્વત વિના બીજું તો કાઈ હોતું નથી
આવ્યા બહારથી થઈ ત્યાં તો મુલાકાતે, બહાર ગયા વિના અંત એનો આવવાનો નથી
ઊગ્યો તો જ્યાં સૂરજ, એના આથમ્યા વિના, એના ઊગવાનો અંત આવવાનો નથી
કાળ તો છે શાશ્વત જગમાં, જન્મ્યા સહુ એમાં, સહુનો અંત એમાં આવ્યા વિના રહેવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)