પ્રેમપૂર્વક પૂજન પ્રભુનું કરવું જ્યાં ભૂલ્યો, જીવનનું પહેલું પગથિયું તું ચૂક્યો
કર્મ ને પુરુષાર્થની કૂંડીમાં જ્યાં ના હોમી શક્યો, જીવનનું બીજું પગથિયું તું ચૂક્યો
ધૈર્ય અને હિંમત જીવનમાં જ્યાં ખોઈ બેઠો, જીવનનું ત્રીજું પગથિયું તું ચૂક્યો
માત, પિતા, વડીલોને માન દેવું તું ભૂલ્યો, જીવનનું ચોથું પગથિયું તું ચૂક્યો
મુક્તિના ધ્યેયને જીવનમાં જ્યાં તું ભૂલ્યો, જીવનનું પાચમું પગથિયું તું ચૂક્યો
માયાને માયાના રટણમાં જીવનમાં તું ડૂબ્યો, જીવનનું છઠ્ઠું પગથિયું તું ચૂક્યો
લોભલાલચની સાઠમારીમાં જ્યાં તું પડયો, જીવનનું સાતમું પગથિયું તું ચૂક્યો
ક્રોધ, ઇર્ષ્યા ઉપર કાબૂ જ્યાં ના મેળવી શક્યો, જીવનનું આઠમું પગથિયું તું ચૂક્યો
અહંને જીવનમાં જ્યાં, ના તું ઓગાળી શક્યો, જીવનનું નવમું પગથિયું તું ચૂક્યો
હૈયાંમાં પ્રભુની ભાવભરી ભક્તિ ના જગાવી શક્યો, જીવનનું દસમું પગથિયું તું ચૂક્યો
અનેક પગથિયાંની તો છે જીવનની સીડી, જીવનમાં જ્યાં તું એક ચૂક્યો, બાજી ત્યાં ચૂક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)