કરી કદર જીવનમાં શું તેં એની કદી, કર્યો મોટો તેણે તને ઉજાગરા સહી
વળગાડયો સદા એણે તો તને, કરી એકલતા દૂર તારી, હૈયાંની તો હૂંફ ભરી
અવાજે અવાજે તારા, રહ્યાં કાન સજાગ તો એના, પગ દોડયા જ્યાં હાકલ તારી પડી
કરી બધી કોશિશો એણે પગભર કરવા તને, આફતોનો જીવનમાં તો સામનો કરી
સહન કર્યા બધા દુઃખો જીવનમાં એણે, તારી સામે સદા સ્મિત ભર્યું મુખડું ધરી
જોવા સુખી તને, શું શું ના કર્યું એણે, દુનિયાભરની માનતાઓ એણે લીધી
કર્યા અપમાન ઘણા તેં એના, કદી ગણકારી નહીં, દુઆ હૈયેથી એ વરસાવતી રહી
કરે વખાણ બે મીઠા શબ્દોથી તારા કાજે, અમી નજરથી એને નીરખી રહી
દુઃખી જોયો જ્યારે તને કદી, નયનો એના શ્રાવણ ભાદરવો વરસાવી રહી
દુઃખને ગણ્યું ના કદી દુઃખ એણે, જ્યાં એના સુખની સમાપ્તિ તારામાં હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)