કાયર બનીને ના ભાગજે તું, દિલમાં સમાઈને ના છુપાઈ જાજે તું
ખેલજે ખેલ બરાબરીનો, જોઈ શકું હું તને, જોઈ શકે મને તો તું
કરી કંઈક વિનંતિઓ તને, કરાવી કરાવી વિનંતિઓ, ના ટટળાવજે મને તું
પ્રેમ ઝંખતું તો છે હૈયું મારું, વંચિત ના રાખજે તારા પ્રેમથી મને તું
નયનોમાં સદા છે નયનરમ્ય મૂર્તિ રમતી તારી, બની એકવાર પ્રત્યક્ષ આવજે તું
કહેવી છે વાતો, હૈયાંની મારે તને ઘણી, કઢાવજે અવાજ એવો જે સાંભળી શકે તું
નિરાશાઓ ને હતાશાઓને કર્યા છે તડીપાર મેં, ફરકવા ના દેજો પાસે એને તું
જગના સૂરે સૂરમાંથી, સાંભળી શકું સૂર તારો, રાખજે મહેરબાની મારા પર એટલી તું
વિંટળાઈ રહે મને પ્રકાશ તારો, માંડી શકું, પગલાં એમાં માડી, કરજે આટલું તું
હૈયાંમાંને હૈયાંમાં મૂંઝાઉં ના હું કદી, જીવનમાં રાખજે હૈયું એવું મારું તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)