શું જમાનો આવ્યો છે, નવા નવા રંગ એ તો લાવ્યો છે
સુખની ઝૂંપડીઓ ગઈ તૂટી, નવી મહેલાતોના રંગ એ તો લાવ્યો છે
સંબંધોની મીઠાશ ગઈ છે ભુલાઈ, પૈસામાં સંબંધ તોલતો આવ્યો છે
તન બદનની લાલાશ ગઈ છે લૂંટાઈ, પફ પાવડરની લાલાશ લઈ એ આવ્યો છે
હૈયાંના ખુલ્લાં હાસ્ય ગયા છે વીસરાઈ, કૃત્રિમ હાસ્ય લઈ એ આવ્યો છે
સંતોષનું ઘરેણું ગયું ભુલાઈ, અસંતોષનો હાર એ લેતો આવ્યો છે
ત્રણે ઋતુઓ જ્યાં રીઝતી હતી, ઋતુઓના રૂસણા લેતો આવ્યો છે
સહનશીલતાની વીરતા ગઈ ભુલાઈ, ભાષણોની વીરતા એ લાવ્યો છે
દોટ માંડી છે જમાનાએ તો ક્યાં, નર નારીના ભેદ એ ભૂસતો આવ્યો છે
હર હૈયાંમાં પ્રભુ જ્યાં રમતાં હતાં, મંદિરોમાં આજ એને પૂરતો આવ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)