વાત મારે કોઈને કરવી નથી, પ્રભુ તારા વિના કરું કોને એ સમજાતું નથી
સંકળાયેલો છું મારી વાતમાં હું ને હું, બીજા કોઈને મારે એમાં લાવવા નથી
કોઈ મને સાંભળશે કે નહીં, પણ તું તો મને સાંભળ્યા વિના રહેવાનો નથી
ઘૂમ્યો જ્યાં જ્યાં, હું ને હું, વાત તૈયાર ત્યાં થઈ, છૂપી તમારાથી મારે રાખવી નથી
વાતમાં હશે ભલે કૂદંકૂદી, મારી હાલતની જાણ તને થયા વિના તો રહેવાની નથી
હશે ભાવ એમાં, કેટલાં સાચા કે કેટલાં ખોટા, એ કાંઈ હું તો જાણતો નથી
તને કહ્યા વિના રહી શકવાનો નથી, અંતરમાં એને કાંઈ હું તો સાચવી શકવાનો નથી
કરીશ વાત તને જ્યાં, થઈશ મોકળો એ વિચારમાંથી, તે વિના તને સાંભળી શકવાનો નથી
નથી કાંઈ પંચાત મારે એમાં કરવી, કહી કહી તને, હૈયું ખાલી કર્યા વિના રહેવાનું નથી
વાત કરવી નથી, કર્યા વિના રહેવાતું નથી, કાઢજે મારગ તું, કાઢયા વિના રહેવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)