રાખી રાખી ખામીઓ જીવનમાં, જીવનની મજા ક્યાંથી મહાણી શકાય
દઈ દઈ દીધું બધું સર્વકાંઈ પ્રભુએ, કરી દુરુપયોગ, મજામાં ક્યાંથી રહી શકાય
જલાવી હૈયાંને ખોટી આગોમાં, જીવનમાં, હૈયાંમાં શીતળતા ક્યાંથી પમાય
દુર્બુદ્ધિને દુર્વાસનામાં તપાવીને જીવનને, લીલુંછમ ક્યાંથી બનાવાય
અનેક તાણોમાં જીવનમાં ખેંચાઈ ખેંચાઈને, જીવનને સાચું ક્યાંથી સમજાય
ના છોડી ખોટા વિચારોને, ભાવોને જીવનમાં, જીવન ત્યાં દુઃખમય બની જાય
ઇચ્છાઓ છૂટશે ના જો જીવનમાં, જીવન તો ત્યાં ઉપાધિરૂપ બની જાય
વેડફતોને વેડફતો રહીશ સમયને, જીવનમાં સમય તો ત્યાં મોંઘો બની જાય
હૈયાં વિનાની કોશિશો જીવનમાં તારી, જીવનને સારી રીતે ના સમજી શકાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)