કૃપાઓ વર્ણવું ગુરુઓની કઈ રીતે, છે એ તો કૃપાઓનો તો ખજાનો
હતો હું તો રસ્તે રઝળતો, ઉંચકી મને ત્યાંથી, ગળે મને તો લગાવ્યો
હતો હું તો ટકાનો તેર, મને એમાંથી તો સવા લાખનો બનાવ્યો
રહ્યાં રાખતા નજર સદા મારા પર, નજર બહાર મને જવા ના દીધો
મેલો ઘેલો તો હું તો હતો, કરી સાફ મને, સાફસૂથરો મને બનાવ્યો
ઘસી ઘસી જીવનના પાસા તો મારા, ચમકતો મને એમણે બનાવ્યો
કૃપાવંતોની કૃપાના વર્ણન કરું ક્યાંથી, કૃપાના વલયમાંથી બહાર જવા ના દીધો
ચલાવી ના લીધી ભૂલો કદી મારી એમણે, એની કૃપાભર્યા તીરથી હું ઘવાયો
આગળ પાછળ રહી સદાયે સાથે, પગભર મને એમણે તો બનાવ્યો
આજ કાલની નથી કાંઈ આ વાત મારી, જન્મોજનમથી ભલે એમણે નીભાવ્યો
હતો હું અજાણ ને અજ્ઞાની ચીરી પરદા મારા, સ્વસ્વરૂપમાં સ્થિર બનાવ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)