આવે જગમાં મોડો, જાશે જગમાંથી મોડો, નથી રે એવું કાંઈ
કોણ જાશે વહેલો, કોણ જાશે મોડો, એ તો ના કહેવાય
દિવસે લાગે સાજોનરવો, રાતે એ તો ચાલી જાય
ઘડીઓ ગણાતી હોય જવાની, એ પણ તો બચી જાય
લાંચ રુશવત કામ ન લાગે, નિજ કર્મોની ભલામણ થાય
હશે ગરીબ કે તવંગર, મોત એકસરખું ભેટી જાય
વળશે નહિ કરી કિલ્લો, ભલે રહે એમાં તો છુપાઈ
સમુદ્રને તળિયે ઊંડે રહે છુપાઈ, મોત ત્યાં પણ પહોંચી જાય
રાત ન જોવાશે, દિન ન જોવાશે, ક્યારે એ તો ભેટી જાય
જાવું છે તો જાવું શાંતિથી, પ્રભુકૃપા વિના શાંતિ ના પમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)