માનવ તારું ડહાપણ, જગજનની પાસે તો નવ ચાલશે રે
બુદ્ધિની દાતા પાસે તો, બુદ્ધિ તારી બહેર મારી જાશે રે
શક્તિનો અહં દેજે છોડી, શક્તિશાળી પાસે શક્તિ નવ ચાલશે રે – માનવ…
કર્તાપણાનું અભિમાન ત્યજી, કર્તા પાસે નમ્ર બની જાજે રે – માનવ…
ભરવા વિશાળતા હૈયે તું, હૈયું વિશાળ તો બનાવજે રે – માનવ…
આ જગ તો છે ‘મા’ ની કૃતિ, કૃતિ એવી માનવી ના રચાશે રે – માનવ…
હટાવી દેજે બોજ ને દેજે બધું ત્યજી, લાભ મળશે તો એની પાસે રે – માનવ…
નાશવંત આ કાયાથી, શાશ્વતને માપવા ના દોડી જાજે રે – માનવ…
સહુ સહુને તો મોટા સમજે, સહુ છે નાના એની પાસે રે – બુદ્ધિની…
નજર વિના પણ એ નજર રાખે, નજર તારી કમ નહિ લાગે રે – માનવ…
મુખ વિના પણ કહેતી સહુને, સાંભળવા તૈયારી રાખજે રે – માનવ…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)