તારા મનના ગોકુળિયામાં, તું આજે કાનાને બોલાવ
કાનાને બોલાવી ત્યાં, અનોખો સુંદર રાસ રચાવ – તારા…
શ્રદ્ધા કેરી યમુનાના તીરે, વિશ્વાસનું કદંબ ઉગાડ – તારા…
ભાવ કેરી ગોપીઓ, ને ભક્તિ કેરી રાધા સંગ રાસ રચાવ– તારા…
કલ્યાણકારી શિવવૃત્તિને, સંયમ કેરી શક્તિને જગાડ – તારા…
સોહમનો ગુંજાવીને નાદ, રાસના ભાનમાં ભાન ભુલાવ – તારા…
દયા, ધીરજ ને પ્રેમના તાલ, તો એમાં મેળાવ – તારા…
ઊઠતી શંકાઓ ને ખોટી બુદ્ધિને ત્યાં તો સુવાડ – તારા…
માયા તાલ દેશે, વૃત્તિ સાથ પૂરશે, રાસ ત્યાં જમાવ – તારા…
અદ્દભુત એ રાસને, દેવ દેવી નીરખશે, રાસમાં મનને ડુબાડ – તારા…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)