છું અજ્ઞાની અબુધ માડી, એવો હું તો તારો બાળ
દઈ જ્ઞાન સાચું મુજને માડી, લેજે તું મારી સંભાળ
છું સર્વ અવગુણોથી ભરેલો માડી, હું તો તારો બાળ
સદ્દગુણો હૈયામાં સ્થાપી માડી, લેજે તું મારી સંભાળ
છું પાપ ને પ્રપંચે ભરેલો માડી, એવો હું તો તારો બાળ
પાપને, પ્રપંચને બાળી માડી, લેજે તું મારી સંભાળ
છું ક્રોધે શૂરો, અવગુણે પૂરો માડી, એવો હું તો તારો બાળ
દઈ શીતળ છાંયા તારી માડી, લેજે તું મારી સંભાળ
છું કામે બળેલો, કર્મે અધૂરો માડી, એવો હું તો તારો બાળ
દઈ શુદ્ધ બુદ્ધિ સાચી માડી, લેજે તું મારી સંભાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)