રહ્યા બનતા બનાવો જીવનમાં એવા
ગોતતા ના મળ્યા તો ઉત્તર એના
મને ત્યારે તો કહેવું પડ્યું, એમાં હું શું જાણું
સમસ્યાઓ જિંદગીમાં, જાગી જ્યારે એવી
મળ્યા ના ઉકેલ એના, હાર બુદ્ધિએ સ્વીકારી
બુદ્ધિએ ત્યારે માનવું પડ્યું, એમાં હું શું જાણું
ઊકલ્યા તો રહસ્યો, કંઈક બ્રહ્માંડમાં
તોય વણઊકેલ્યા રહ્યા તો કંઈક રહસ્યો
માનવે ત્યારે પડ્યું વિચારવું, એમાં હું શું જાણું
મનના ઊંડાણમાં, માનવ રહ્યો ઊતરતો
રહ્યો ઊતરતો ઊંડો, ઊંડાણ ના મપાયું
માનવે પડ્યું ત્યારે સ્વીકારવું, એમાં હું શું જાણું
વિજ્ઞાને તો જગમાં રહસ્યો કંઈક ઊકેલ્યા
રહ્યા તોય નવા જાગતા, રહ્યા એ વણઊકેલ્યા
વિજ્ઞાને તો ત્યારે સ્વીકાર્યું, એમાં હું શું જાણું
વ્યવહારના તો શોધ્યા, માનવે અનેક રસ્તા
ચાલ્યું ત્યાં સુધી તો ખૂબ ચલાવ્યું, અને એ હાર્યું
ત્યારે માનવને બન્યું કહેવું સહેલું, એમાં હું શું જાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)