ધસી આવે સુખદુઃખ જીવનમાં, જડે ના મેળ એનો જીવન સાથે
કારણ ત્યારે એનું ના સમજાય (2)
પાળે નિયમ કુદરતના સદાયે, ના છોડે માંદગી જ્યારે એને જરાય
કારણ ત્યારે એનું ના સમજાય (2)
મૂરખ પણ લોટે લક્ષ્મીમાં, બુદ્ધિમાન પણ એ તો જ્યાં ગણાય
કારણ ત્યારે એનું ના સમજાય (2)
તાકાત વિનાનાથી પણ જગ ડરતું, તાકાતવાનની ઉપેક્ષા તો થાય
કારણ ત્યારે એનું ના સમજાય (2)
સાચાની વાત પણ ગણે જૂઠી, જૂઠાની વાત સાચી ગણાઈ જાય
કારણ ત્યારે એનું ના સમજાય (2)
મહેનત વિના પણ ખૂબ ફળ પામે, કરી મેહનત ખૂબ ભૂખ્યા રહી જાય
કારણ ત્યારે એનું ના સમજાય (2)
સહુ વાતે રહે જે પૂરો, કોઈ એક વાતે, અધૂરો રહી જાય
કારણ ત્યારે એનું ના સમજાય (2)
ઊંડે ઊંડે જળમાં, જીવન પાંગરતું જાય, જનમ-મરણ પણ ત્યાં પહોંચી જાય
કારણ ત્યારે એનું ના સમજાય (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)