શું કરું રે માડી, તારા સ્વર્ગને કે લક્ષ્મીતણા ભંડારને
જોઈએ છે રે માડી મને, તારા ચરણમાં તો અવિચલિત સ્થાન રે
ઘૂમી ઘૂમી જગમાં, પડી આફતમાં, આવ્યું છે સાચું ભાન રે - જોઈએ...
ફર્યો જગમાં બધે, કરી મારું-મારું, મળ્યા છે અનોખા અપમાન રે - જોઈએ...
દાવ કદી સાચા પડયા, મળ્યા ભલે જગમાં ખૂબ માન રે - જોઈએ...
રાચ્યો છું ખૂબ માયામાં તારી, ભૂલીને તો બધું ભાન રે - જોઈએ...
તારા વિના છે બધું રે ખોટું, કરજે સ્થિર મુજમાં આ જ્ઞાન રે - જોઈએ...
નથી પાપ કે પુણ્ય જોઈતું, નથી એ તારા ચરણ સમાન રે - જોઈએ...
દાતા છે તું દિલાવરી રે માતા, દેજે તું આ એક વરદાન રે - જોઈએ...
દઈશ તું બીજું, લઈશ હું બીજું, રહેશે ના એમાં આપણી શાન રે - જોઈએ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)