ઝગમગ ઝગમગ થાય, રે માડી તારી આંખડીના તેજ તો ઝગમગ થાય
સૂર્ય-ચંદ્રના તેજ, એની પાસે ઝાંખા પડી જાય - રે માડી...
વહે ત્યાં પ્રેમતણાં ઝરણાં, કદી ક્રોધની જ્વાળા દેખાય - રે માડી...
સૃષ્ટિની શરૂઆત-અંત માડી, એમાં તો દેખાય - રે માડી...
અનોખી છે આંખ તારી, સારી સૃષ્ટિ એમાં સમાણી
હેતાળ આંખડી જોઈ તારી, હૈયે તો હેત ઊભરાય - રે માડી...
વહે કિરણો કેવા, જગ સારું રે એમાં જગી જાય
બંધ થાયે કિરણો તારા, જગમાં તો પ્રલય થાય - રે માડી...
કદી કોમળ, કદી રૌદ્ર રૂપ તારા ત્યાં બદલાય
તું અને તું રે માડી, ત્યાં જુદે-જુદે રૂપે દેખાય - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)