પડશે રે કરવો, તારે ને તારે, તારી નીચ વૃત્તિનો તો સામનો
પંપાળી, પોષી, કીધી છે મજબૂત, દુષ્કર બન્યો છે તારો એ સામનો
ધરતી રહી છે સ્વાંગ એ તો, કદી બિહામણો, કદી સોહામણો
સીધી તારી ગાડીને દેશે પછાડી, લાગશે ત્યારે તો અળખામણો
દઈશ તું આંગળી એને, ગળશે પહોંચો, મજબૂર તું ત્યાં બનવાનો
લલચાવી-લલચાવી ધકેલશે ખાડામાં, મુશ્કેલીએ બહાર નીકળવાનો
યત્નોને તારા, દેશે ઠેસ લગાવી, અસહાય તને એ બનાવવાનો
ના ગમે સારું એને, ના કરવા દેશે તને, સમય છે આ ચેતવાનો
ઢીલાશ ના તું કરજે, મજબૂર ના બનજે, હિંમતથી કર મુકાબલો
ધરજે મનમાં શ્રદ્ધા, સાથ ‘મા’ નો મેળવ, છે રસ્તો આ જીતવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)