છોડ બધી સફાઈ તારી, છોડ બધી તારી હોશિયારી
સાચ વિના તો બીજું, તેમાં કામ તો આવશે નહીં
ના છેતરાશે એ તો, ના ભરમાશે એ તો
તારી હકીકત વિના, બીજું કાંઈ રજૂ થાશે નહીં
ના જોવાશે ત્યાં પાઈ કે પૈસો, ના જોવાશે રે મોભો
તારા સત્કર્મો વિના બીજી કોઈ ગણતરી થાશે નહીં
ના ક્રોધની જ્વાળા કામ લાગે, ના અપમાન બાજી સુધારે
તારા હૈયાના શુદ્ધભાવ વિના, બીજું ત્યાં વેચાશે નહીં
ના તારા રંગ રૂપ જોવાશે, ના તારું કદ ત્યાં મપાશે
તારા કર્મોના હિસાબ વિના, બીજું કાંઈ જોવાશે નહીં
ના કોઈ છાપ જોવાશે, ના ધરમ ગણતરીમાં લેવાશે
પ્રેમ ને માનવતા વિના, બીજું કાંઈ તો જોવાશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)