અહંનો નશો ચડયો, ‘હું’ તો કેંદ્રસ્થ બન્યો
જગ દુશ્મન બન્યું, જગમાં તો ઘૂમતો રહ્યો
મોહનો નશો ચડયો, ખોટાને સાચું સમજતો રહ્યો
મળતા ફળ માંઠા, ત્યાં તો ગભરાઈ ગયો
ચઢયો નશો જ્યાં ક્રોધનો, સારાસાર ભૂલી ગયો
ન કરવાનું કરી ગયો, પશ્ચાત્તાપે તો ડૂબી ગયો
ચઢયો નશો જ્યાં માયાનો, સાચું તો ભૂલી ગયો
મારું મારું કરતો ગયો, માયામાં તો ડૂબી ગયો
લોભનો જ્યાં ચડયો નશો, સંતોષથી દૂર થઈ ગયો
મર્યાદા ઓળંગતો રહ્યો, અશાંતિનો ભોગ બની ગયો
વાસનાનો જ્યાં નશો ચડયો, ફળ ઢંઢોળતો રહ્યો
કર્તામાં ડૂબી ડૂબી, અસત્ય આચરતો રહ્યો
ઈર્ષ્યાનો જ્યાં નશો ચડયો, ખામી અન્યની કાઢતો રહ્યો
વધતો આગળ અટકી, પગ અન્યના ખેંચતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)