બે તેજ તલવારો અથડાશે, તણખા ત્યાં તો ઝરી જશે
છૂટશે તીર નજરના જ્યાં સામસામે, કોઈ તો ઘાયલ થઈ જશે
ઊઠે ભભૂકી હૈયે ક્રોધની જ્વાળા, બાળી અન્યને, ખુદને બાળી જાશે
પ્રગટે જ્યાં જ્ઞાન જ્યોત જ્યાં હૈયે, દઈ પ્રકાશ ખુદને, અન્યને પ્રકાશ દઈ જાશે
વહેશે જ્યાં હૈયે ભક્તિની ધારા, કરી ખુદને પાવન, અન્યને પાવન કરી જાશે
દૃષ્ટિમાં પ્રભુ જ્યાં વસી જશે, અણુ અણુમાં દર્શન પ્રભુના થશે
પ્રગટે દીપ શ્રદ્ધાનો જ્યાં હૈયે, દઈ પ્રકાશ, અંધકાર દૂર કરી જશે
દ્વાર દયાના, તારા હૈયામાં જ્યાં ખૂલશે, તારા દ્વારે પ્રભુ આવી જશે
ભારની ભીંશ જ્યાં હૈયે વધશે, દિશા ના એને તો સૂઝશે
મન મોકળું જ્યાં તું કરશે, ચિત્ત પ્રભુમાં તું જોડી શકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)