રહ્યો છું કરતો ભૂલ હું તો માડી
છું હું તો એક પામર માનવી
રહે છે સદા બહાર આવતી રે માડી
મારી નિર્બળતાની તો કહાની
કદી અહંમાં ડૂબી, કદી લોભમાં ડૂબી
ન કરવાનું, કરતો રહ્યો છું રે માડી
મુક્તિની ઝંખના જાગી ન જાગી
દીધી વિકારોએ એને તો દબાવી
રાત વીતી, દિન વીત્યા, વીતતી રહી જિંદગી
બદલાઈ ના મારા જીવનની આ કહાની
ઘેરાયો મુસીબતે, ના કોઈ દિશા જ્યાં સૂઝી
દેખાઈ ત્યાં ત્યારે, તારી પ્રેમઝરતી આંખડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)