રહી આસપાસ ને હૈયામાં મારા રે માડી, દર્શન તારા દોહ્યલા છે
કહી દે કહી દે રે માડી આજે, એવા કયા ગુના મેં કીધા છે
દીધી તે વિયોગની આકરી શિક્ષા, ઘા વિયોગના આકરા છે - કહી...
ખટખટાવે વિયોગ, દ્વાર જ્યાં હૈયાના, માયાએ દ્વાર ત્યાં રોક્યા છે - કહી...
મળ્યો ના મળ્યો પ્રકાશ થોડો, મોહ અંધકાર ત્યાં છવાયા છે - કહી...
મળી જીત જીવનમાં ઘણી, મનની જીત હજી બાકી છે - કહી...
જોયું ઘણું ઘણું જીવનમાં માડી, દર્શન તારા હજી બાકી છે - કહી...
ઘૂમ્યો બીજે બધે ઘણું રે માડી, તારી પાસે આવવું બાકી છે - કહી...
રાહ મળ્યા જીવનમાં ઘણા રે માડી, રાહ તારો મળવો બાકી છે - કહી...
મેં તો તને મારી કહી રે માડી, તારે મને તારો કહેવો બાકી છે - કહી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)