રહી રહી સાગર પાસે, જોઈ જોઈ સાગરને પણ, સાગર જેવું હૈયું વિશાળ ના બન્યું
પી પીને પવિત્ર જળ તો નદીઓનું, હૈયું પવિત્ર તોયે એના જેવું ના બન્યું
કરી કરીને દર્શન નિત્ય ચંદ્રના તો જગમાં, હૈયું જીવનમાં એના જેવું શીતળ ના બન્યું
રહ્યાં વસતા નિત્ય ઝાડપાનની તો સાથે, જીવન એના જેવું પરોપકારી તોયે ના બન્યું
જોતા રહ્યાં પશુ પંખીઓનું નિત્ય કર્મમયજીવન તોયે એના જેવું કર્મમય ના બન્યું
રહ્યાં પામતા અને જોતા, નિત્ય તેજ તો સૂર્યનું, જીવન એના જેવું તેજસ્વી ના બન્યું
રહ્યાં જોતા ઊંચાઈ આકાશની તો સદા, તોયે જીવન એના જેવું ઊંચું ના બન્યું
જોઈ જોઈ ઉષા, સંધ્યાના મનોહર રંગો જોઈ જોઈ જીવન મનોહર તોયે ના બન્યું
જોઈ વર્ષાને વરસતા ભેદભાવ વિના સહુ ઉપર, જીવન તોયે ભેદભાવ વિનાનું ના બન્યું
જોઈ જોઈ પકવતા રસોઈને અગ્નિથી, જીવન તોય ભક્તિરસમાં પરિપક્વ ના બન્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)