ભૂલો તો જગમાં સહુથી થાયે, ભૂલ વિનાનું કોઈ નથી
ભૂલોમાંથી જે શીખે ઘણું, બુદ્ધિમાન એને તો જાણવું
ભૂલોની તો પરંપરા કરે, મૂરખ એને તો ગણવું
જનમ જનમ ધરી માનવ ના શીખ્યો, માનવને શું ગણવું
કદી આવે પરિણામ ભૂલોના આકરા, સુધાર્યા ના સુધારાય
રાતદિન એને સુધારવા, નાકે દમ તો આવી જાય
કોઈ ભૂલ અજાણતા થાયે, જો સુધારી, સુધરી જાય
માઠા પરિણામ મળતાં પહેલાં, પરિણામથી બચી જવાય
કોઈ ભૂલ એવી થાયે, અન્યને તો નુક્સાન કરી જાય
પરિણામ તો હોયે એના માઠા, આંખ અન્યની લાલ થાયે
ના કરજે ભૂલ તું એવી, જગકર્તા નારાજ તો થાય
સમજી વિચારી કરજે કર્મો, કર્તા હસતા હસતા આવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)