પૂરપાટ દોડતી જીવનની ગાડીને રે, ભાગ્ય જ્યાં અવરોધી જાય
એના હૈયાંની રે વેદના, કેમ કરી સમજાય, કલ્પના એની ક્યાંથી રે થાય
સોંપ્યું વિશ્વાસે જીવનમાં જેને બધું, જીવનમાં દગો જ્યાં એ દઈ જાય
સ્વપ્ન રચી રચી, રચ્યા આશાના મિનારા, પળમાં જ્યાં એ તો તૂટી જાય
મુશ્કેલીએ વધે બે ડગલાં આગળ, કુદરત ચાર ડગલાં પાછળ હટાવી જાય
નજર સામે દેખાતા અજવાળાને, કાળો અંધકાર તો જ્યાં ઢાંકી જાય
પ્રેમ વાપરી પૂર્યા જીવનમાં જેના પ્રાણ, આંખ સામે જ્યાં એ નિષ્પ્રાણ બની જાય
કરો દુઃખ દૂર એક જીવનમાં, દુઃખોની વણઝાર જીવનમાં આવતી જાય
જગાવવા જાતા સાચા ભાવો હૈયાંમાં, વિપરીત ભાવો તો જાગતા જાય
અન્યના દુઃખે રડતું રહે જેનું હૈયું, જીવનમાં તો એ જ્યાં રડતું ને રડતું જાય
જીવનભર કરી સાધન, પ્રભુ તો જીવનમાં જ્યાં, હાથતાળી આપી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)