દેખાયે જગમાં જે બધું, સત્ય ના એને સમજી લેજે
દેખાયે જગમાં જે બધું, અસત્ય ના એને ગણી લેજે
વાપરી વિવેક હૈયે, સત્ય અસત્ય તું તારવી લેજે
દેખાયે એની હસ્તીને, ના તું અવગણી કાઢજે
ના દેખાયે, એની હસ્તીને, ના અવગણી નાખજે - વાપરી...
મળશે ના જગમાં સહુ કોઈ તો વેરી
હશે ના જગમાં સહુ કોઈ તો સાથી - વાપરી...
લાગશે જગમાં કદી કદી સહુ કોઈ પોતાના
લાગશે કદી કદી જગમાં સહુ કોઈ પરાયા - વાપરી ...
મળશે જગમાં માર્ગ તો સાચા કે ખોટા
જાગશે હૈયેથી આવેગો સાચા કે ખોટા - વાપરી...
જાગશે વિચારો મનમાં સાચા કે ખોટા
મળશે રસ્તા જગમાં પાપ ને પુણ્યના - વાપરી...
શુદ્ધ તારવણી કરતા, સત્ય સમજાઈ જાશે
સત્ય ને પ્રભુને, એકરૂપ તું સમજી જાજે - વાપરી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)