થયું છે નિર્માણ જેનું જ્યાં ને જ્યારે, થશે એ તો એમ થવાનું છે
તું ચાહે ના ચાહે, દિન તો ઊગવાનો છે ને આથમવાનો છે
કર્મો તું કરશે કે ના કરશે, કર્મો સદા તુજથી તો થવાના છે
તું ચાહે કે ના ચાહે, કર્મો તારે તો કરવા પડવાના છે
કુદરત રહી છે એના તાલમાં તો ચાલી, ને ચાલતી રહેવાની છે
મેળવીશ ના મેળવીશ તાલ તારા એની સાથે, એ તો ચાલતી રહેવાની છે
ભરતી-ઓટ સમુદ્રમાં રહી છે આવતી, એ તો આવતી રહેવાની છે
તું ચાહે કે ના ચાહે, સદા એ તો એમાં થાતી રહેવાની છે
નદી ને સરિતાના જળ, રહી વહેતા, સાગરને તો મળવાના છે
રોકી શકીશ તું એને ક્યાં સુધી, આખર એ એમાં સમાવાના છે
ધાર્યું જગમાં થાયે ના બધું કોઈનું, પ્રભુનું ધાર્યું તો થવાનું છે
પ્રભુની ઇચ્છામાં, દે તારી ઇચ્છા સમાવી, આખરમાં કામ લાગવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)