છે દ્વાર પ્રભુના ખુલ્લાને ખુલ્લા, પ્રવેશ તોયે જલદી એમાં થાતા નથી
રહ્યાં છે પુરુષાર્થ સહુ કરતાને કરતા, ઓછા પડયા વિના એ તો રહ્યાં નથી
જનમોજનમથી રહ્યાં છે એ સહુ કરતા, સફળ તોયે એમાં તો થયા નથી
મહામુલો માનવ જનમ મળ્યો, એની આળપંપાળમાંથી બહાર આવ્યા નથી
નથી કાંઈ રહેવાનું રે હાથમાં,સુખદુઃખ જગાવ્યા વિના એમાં તોયે રહ્યાં નથી
દોડી દોડી પહોંચીને તો દ્વાર સુધી, ત્યાંથી પણ ફર્યા વિના તો રહ્યાં નથી
પ્રવેશવું છે સહુએ તો એ દ્વારમાં,પૂરી તૈયારી તોયે એની તો કરતા નથી
દુઃખ દર્દમાં રહ્યાં સહુ દિલાસા ઝંખતા, ખુમારીમાંથી તૂટયા વિના એ રહ્યાં નથી
મારગ વિનાના અંધકારમાં રહ્યાં ઘૂમતા, મૂંઝાયા વિના એ તો રહ્યાં નથી
પુકારી પુકારી રહ્યાં હાંફતા જીવનમાં, જીવનમાં તો એ થાક્યા વિના રહ્યાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)