ઉષાએ ઓઢી નવરંગી રે ચૂંદડી, કરવા સત્કાર તો ભાનુદેવના રે
સંધ્યાએ ઓઢી નવરંગી રે ચૂંદડી, રજનીદેવને તો આવકારવા રે
કર્યા એકે પૂજન તો પ્રકાશના રે, કર્યા બીજાએ પૂજન તો અંધકારના રે
કર્યા એકે પ્રવૃત્ત, માનવને કાર્યમાં, પાથર્યો ખોળો બીજાએ આરામનો રે
છે નોખનોખા બંનેના તો સ્વભાવ રે, દે તોય બંને મીઠાં આવકાર રે
રહ્યા સ્વભાવે બંને તો સૌમ્ય રે, છે સામસામી દિશામાં એના સ્થાન રે
છે પુત્રી બંને તો સૂર્યદેવની રે, ના સૂર્યના દર્શન તો એને થાતાં રે
કરે ઉલ્લાસભર્યા બંને માનવ હૈયા રે, તોય ભેગી બંને ના થાતી રે
શરમાતી શરમાતી બંને તો આકાશમાં લપાઈ જાતી રે
મળશે ના કિરણો બંનેના સાથે, છે કર્તાની આવી તો ખૂબી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)