ઉન્નતિના શિખરો સર કરવા તો ગયો
હૈયાના અભિમાન મારા મને નડયા
થઈ એકચિત્ત, ગયો વિંધવા લક્ષ્ય, કરી સંધાન
ગયું ચિત્ત ફરી, ચૂક્યો નિશાન
લોભ-મોહ રહ્યું ખેંચતું મનને, ચિત્તને સદા
ચૂક્તો રહ્યો સંધાન ને નિશાન
લાલચ, ક્રોધ, વેર રહ્યા મચાવતા તોફાન
ના લક્ષ્ય વિંધાયું, ચૂક્યો નિશાન
રહ્યા નચાવતા મુજને, નાચ્યો બની નાદાન
ના સમજી શક્યો, હતું શું મારું એ વિધાન
ભાર ભર્યા હતા સાથે ઘણા, કપરું બન્યું ચડાણ
ખાલી રહેવાનું હતું, હતું એ સાચું નિદાન
ઉન્નતિના ઉલ્લાસ લેવા હતા, ભરવા હતા મુક્તિના શ્વાસ
ખાલી ના થઈ શક્યો, ચૂકી ગયો નિશાન
ખાલી ખાલી થાતા, ચિત્ત આવી ગયું તો હાથ
લક્ષ્ય ત્યાં વિંધાઈ ગયું, આવ્યા ત્યાં ભગવાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)