ખેલ ખેલશે ખૂબ ભાવો રે એવા, ના તણાતો તું તો એમાં
નિરીક્ષક બનીને, એને તો તું, નીરખતો જા, નીરખતો જા
છૂટશે ક્યાંથી ને કેવી વિચારોની રે ધારા, ના તણાતો તું એમાં
નિરીક્ષક બનીને રે એનું નિરીક્ષણ તું કરતો જા, તું કરતો જા
વિકારો ના સંઘરજે, ના વિકસવા દેજે, એને તો તું હૈયામાં
કરી નિરીક્ષણ એનું, રાખજે એને તું નિયંત્રણમાં, તું નિયંત્રણમાં
જાગે જ્યાં શંકા, ના દેજે એને રે તું, મનમાં પાંગરવા
કરીને નિર્મળ બીજ તો એના, રાખજે બીજને તારા નિરીક્ષણમાં
લેશે કબજો આળસ ક્યારે તારા હૈયાનો, સજાગ રહેજે રે તું એમાં
નિરીક્ષક બનીને એનો, સદા એને તું ખંખેરતો જા, તું ખંખેરતો જા
જાગે ભક્તિના ભાવો હૈયામાં, એને તો તું સદા વધારતો જા
નિરીક્ષક બનીને એનો, એને તો તું સાચવતો જા, સાચવતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)