ના રે ના, ના રે ના,જીવનમાં અમારે એવું કાંઈ કરવું નથી
જીવનની પ્રગતિમાં અમારી રુકાવટ કરી, અમારે ઊભા રહેવું નથી
કર્યું ઘણું ઘણું જીવનમાં, કર્યું નથી જે જે, જીવનમાં તો એ ભૂલવું નથી
રહ્યાં કરતા જીવનમાં ઘણું ઘણું, મળ્યા ફળ કદી માઠાં, કદી મીઠાં
જીવનમાં માઠાં ફળ ભોગવવા જેવું, એવું તો કાંઈ કરવું નથી
સમજ્યાં ઘણું ઘણું જીવનમાં અમે, છે સમજવાનું જે બાકી, સમજ્યાં વિના એ રહેવું નથી
ભટક્યા જીવનમાં ભલે અમે અંધકારમાં, જીવનમાં અંધકારમાં તો હવે રહેવું નથી
રહેવું છે જીવનમાં સદા નાના બનીને, મોટાપણાના અહંને હૈયાંમાં પ્રવેશવા દેવો નથી
છે એ દૂર, છે એ પાસે, કે છે એ સાથે જાણીએ, ભલે એ જીવનમાં, અનુભવ વિના એ રહેવું નથી
રાહે રાહે રાહ બદલતી નથી, કરી નક્કી જે રાહ, એ રાહ ઉપર આવ્યા વિના રહેવું નથી
છે ઝંખના હૈયે તો શાંતિની, નથી શાંતિ ભલે હૈયે, જીવનમાં શાંતિ પામ્યા વિના રહેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)