છે જગજનની તું તો રે, છે તું જગકર્તા રે, છે તું રક્ષણકર્તા રે
જગહિત તો છે સદા તારા હૈયે, રહે છે હિત મારું તો સદા તારા હૈયે
ના લક્ષ્ય હટે જગ પરથી તો તારું, છે લક્ષ્ય તારું મારા પર સદાયે
છે તું તો માતા, છીએ બાળ અમે, સંબંધ સદા આ તો તું સાચવજે
અમારી ખુશીમાં તું રાજી થાયે, ભાવથી હૈયું તો તારું છલકે
કરુણાભરી છે દૃષ્ટિ તો તારી, પરમકૃપાળી તું તો છે
વિશાળતાની સીમા તો તને ટૂંકી પડે, સૂક્ષ્મતાની સીમા તને નડી ના શકે
તેજ તારું તો અપાર છે, જ્ઞાનની જ્યોત જગમાં સદા તુજથી ઝળહળે
અસંભવને તું સંભવ કરનારી છે, તારી વ્યાપક્તાને કોઈ બાધા ના નડે
રૂપે-રૂપે તો તારા દર્શન જુદા છે, સર્વ દર્શનમાં તો તું ને તું રહી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)