રાખજે રે માડી, રાખજે રે, તારા હૈયામાં માડી મને તો તું રાખજે
સમાવ્યું છે જગ સારું તો જ્યાં તારા હૈયામાં, સમાવતા મને ના અચકાજે
આવ્યો છું હું પાસે તો તારી, તારા હૈયાની હૂંફ તો તું આપજે
કરવા છે જગમાં દર્શન તો તારા, તારા દર્શન મને હવે તો આપજે
નથી જાણતો સફર છે લાંબી કે ટૂંકી, સફર મારી ટૂંકી કરી નાખજે
નથી જાણતો રાહ તો તારી, તારી રાહ પર મને તો ચલાવજે
તપ્યો છું સંસાર તાપે ખૂબ સંસારમાં, વધુ હવે મને ના તપાવજે
લાયકાત ભૂલીને મારી રે માડી, તારી અમી દૃષ્ટિ મુજ પર નાખજે
અંધારભર્યા હૈયે ચાલતો રહ્યો છું, તારો પ્રકાશ તો ત્યાં તું પાથરજે
ગલ્લાંતલ્લાં ના કરતી હવે રે માડી, બોલાવું ત્યારે હવે તો આવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)