અષ્ટસિદ્ધિ નવ નિધિની છે તું દાતા, હે જગમાતા, ખાલી મને તો ના રાખજે
છે સકળ કર્મોની તો તું કર્તા, હે જગમાતા, મારા કર્મો પર નજર તારી રાખજે
છે સકળ જગની તો તું ભાગ્ય વિધાતા, હે જગમાતા, ભાગ્ય મારું તો સફળ રાખજે
ત્રિકાળની તો છે તું રે દૃષ્ટા, હે જગમાતા, દૃષ્ટિ તમારી મારા પર રાખજો
છે જગની તો તું રક્ષણકર્તા, હે જગમાતા, દુર્ભાવમાં રક્ષણ તારું રાખજે
શક્તિની તો છે તું તો દાતા, હે જગમાતા, મુજમાં શક્તિ ભરી ભરી રાખજે
છે બુદ્ધિની તો તું રે દાતા, હે જગમાતા, શુદ્ધ સરળ બુદ્ધિ મારી રાખજે
તેજપૂંજ તો તું છે, તેજ તારા પથરાતા, હે જગમાતા, રાહે રાહે મારી અજવાળાં તારા રાખજે
તારા કાર્યો તો જલદી ના સમજાતા, હે જગમાતા, સાચી સમજ મારી રાખજે
હૈયે અમારા તો દુઃખ ઉભરાતા, હે જગમાતા, સ્વીકારવા એને, તૈયારી તું રાખજે
આંસુઓ તો રહ્યાં છે રે વહેતા, હે જગમાતા, સદા શુદ્ધ એને તો તું રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)