સહજ હસતી આંખોમાં ‘મા’ ની, દીઠી આજ મેં તો ઉદાસી
સહસા કારણ ‘મા’ ને તો એનું પૂછયું, દીધો ઉત્તર ‘મા’ એ એનો તો હસી
રાખી હતી છૂપી તો જે ઉદાસી, દીઠી જ્યાં તેં એને, છે તું તો બડભાગી
રાખી હતી ઊંડે ઊંડે એને તો છૂપી, આજ તારી પાસે ગઈ એ ખૂલી
જાણવું નથી ‘મા’, કે છું હું બડભાગી, બતાવ શાને કારણે છે આ ઉદાસી
નિત્ય આવે દર્શન કાજે મારા મંદિરે, આવે સહુ તો નમન તો કરી
રોજ ફરે પાછા એ તો ઘરે, રાખી મને તો ત્યાં ને ત્યાં ઊભી
દુઃખ સહુ તો આવે રે રડતાં, પૂછે ના મને, કે ‘મા’ કેમ છે તું તો કદી
આવી, કરી હૈયું એનું ખાલી, જાય પાછા, જાય પાછા માયામાં એ તો પડી
થાકે જ્યારે, થાય બંધ એ આવતા, સૂઝતું નથી કોઈને મને સાથે લઈ જવી
જોડી હાથ, કરી વાત, વળે પાછા એ તો, કરી પ્રણામ ખાલી ને ખાલી
આવ્યો ના બાળ એક પણ, કહ્યું જેણે, ચાલો મારી સાથે, સ્થાપું હૈયામાં માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)