રડતાં સ્વીકારીશ કે હસતા સ્વીકારીશ, પડશે સ્વીકારવું તો એને રે
સ્વીકારજે રે તું, એને રે હસતા, નાંખે વિધાતા જે-જે તારી ઝોળીમાં રે
વેર્યા જ્યાં ફૂલ વિધાતાએ, સ્વીકાર્યા તેં, હવે અચકાય છે સ્વીકારતા કાંટા શાને રે
હોય ના પસંદ જો તને, બદલજે તું એને, છે પુરુષાર્થ જ્યાં તારા હાથમાં રે
રાખજે ધીરજ ને હિંમત તું સાથમાં, ઉજાળશે એ તો તારા પુરુષાર્થને રે
છે સુધારવાનું નસીબને તો તારા હાથમાં, ના પુરુષાર્થને પાંગળો તું રાખજે રે
સ્વીકારીશ રડતાં, તોડશે એ શક્તિ તારી, સમજી સદા હૈયે આ તો રાખજે રે
સ્વીકારીશ જ્યાં હસતા, વધશે શક્તિ તારી, બોજ હળવો એ બનાવશે રે
છે નિયમ આ તો એનો, છે એમાં તો ફાયદા, હૈયેથી આ તો અપનાવજે રે
સુખ વિના, ના દે એ બીજું કાંઈ, નિયમ સદા લક્ષ્યમાં આ રાખજે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)