પધારો પધારો પધારો પ્રભુજી, મારા હૈયે તમે તો આજ પધારો
હશે ભાવો જીવનમાં મારા અધૂરા, કરો જોઈતો હવે એમાં તો વધારો
ઉગાર્યા અનેક બાળને જગમાં તમે, આ બાળનો કરો હવે એમાં ઉમેરો
કરવું નથી વર્ણન, સંકટનું મારે મારું, લાગે સંકટ તમને તમારું, સંકટને હવે નિવારો
વારાફરતી રહ્યાં છે ઉગારતા સહુને, આ બાળનો લાવો હવે એમાં તો વારો
છે હાલત કફોડી આ બાળની રે જગમાં, કરી કસોટીઓ, કરો ના એમાં વધારો
ભક્ત કાજે તોડયા ઘણા ધારા તમે તમારા, આવી હવે તોડો તમે આ ધારો
ખામીભર્યો છે આ બાળ સદા તો તમારો, પધારી હવે એને તો સુધારો સુધારો
હશે તકલીફ આ બાળને ભલે ઘણી, લેશો ના તકલીફ બીજી, પણ પધારો
તમને ગમે કે ના ગમે ચહેરો મારો, પડશે જોવો તમારે ચહેરો મારો, હવે તો પધારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)