પગલાં પાછાં ભરવા પડે, તેના કરતા, સમજીને પગલાં તું પાડ
શબ્દો પાછાં ગળવા પડે, તેના કરતા, સમજીને શબ્દો તું કાઢ
વાત તને સમજાઈ નથી જ્યાં પૂરી, એવી વાતો ના તું માંડ
માગવી પડે તો જેની માફી, એવાં શબ્દો ના તું ઉચ્ચાર
પશ્ચાત્તાપ તો જેનો અંત છે, એવા આચરણમાં ચરણ ના નાંખ
આરામમાં તો જ્યાં આરામ નથી, એવા આરામને વિરામ ના માન
જે ભાવ ને ભાવના, હૈયું તારું નથી જીતી શક્યું, એમાં ના તણા
બહારના દીવડાથી રસ્તો ગોતવો પડે, એવા દીવડાનો આધાર ના રાખ
તીરથી તો ખાલી તનડું વીંધાશે, શબ્દોથી તો હૈયું ના વીંધી નાંખ
મનડું કહ્યામાં તારું નથી જ્યાં, રહેશે અન્ય કહ્યામાં તારું, એવું ના માન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)